મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

સ્માર્ટ સીટી મીશન : ભારતનાં શહેરોને વિશ્વ નાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું ક્રાંતિકારી અભિયાન

સ્માર્ટ સીટી મીશન : ભારતનાં શહેરોને વિશ્વ નાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું ક્રાંતિકારી અભિયાન

શ્રેષ્ઠ સુવિધાયુક્ત શહેરોનાં નિર્માણ માટે મોદી સરકાર દ્વારા કુલ એક લાખ કરોડની ફાળવણી

હમણાં જ થોડાં દિવસો પૂર્વે આપણે ભારતનો ૬૯મો આઝાદી દિન ઉજવ્યો.મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદી મેળવ્યાનાં આટલાં વર્ષો પછી પણ જયારે આપણે ભારતનાં શહેરો,શહેરોની માળખાકીય સુવિધાઓ,લોકોની જીવનશૈલી વગેરેની તુલના વિદેશનાં શહેરો સાથે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે હજુ દુનિયાથી ખુબ જ પાછળ છીએ અથવા તો એમ કહી શકાય કે આપણે શહેરોની સુંદરતા,સગવડતા તથા માળખાકીય સવલતોની બાબતોમાં ખુબ જ પછાત છીએ.આપણાં શહેરો હજુ પણ ગંદકીથી ખદબદતા જોવા મળે છે.લોકો હાડમારી ભર્યું,અત્યંત દુવીધાપૂર્ણ જીવન વિતાવે છે.શહેરોની હવામાં પ્રદુષણ,રસ્તાઓમાં ટ્રાફિકજામ,ઘોંઘાટ,શુદ્ધ પીવાનાં પાણીનો અભાવ,આધુનિક સગવડતાઓનો અભાવ,નાગરિકોની અસલામતી વેગેરે જેવી બાબતો જોતાં ખ્યાલ આવે કે ભારતનો નાગરિક પારાવાર મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન ગુજરી રહ્યો છે.શહેરોની આવી હાલત હોય તો પછી ગામડાંઓની તો વાત જ શું કરવી?આઝાદી પછીનાં આટલાં વર્ષો સુધી ભારતનાં અત્યાર સુધીનાં શાસકો વોટબેંકની છીંછરી રાજનીતિ દ્વારા ફક્ત પોતાની સતા કેમ ટકી રહે તેમાંજ વ્યસ્ત રહ્યાં.પરિણામે ભારતનાં શહેરો અને ગામડાંઓમાં વસ્તી વધારો થયો પણ તેમની સુખાકારી,સગવડતાઓ કે જરૂરી આધુનિક માળખાકીય સુવિધાઓમાં વધારો ના થયો.એથી ઉલ્ટું ભારત પછી આઝાદ થયેલા જાપાન,સિંગાપોર,ઇઝરાયેલ વગેરે જેવા દેશોએ વિકાસની હરણફાળ ભરી અને ખુબ જ ટૂંકાગાળામાં આ દેશો વિશ્વનાં વિકસિત દેશો સાથે તાલ મીલાવતા થઇ ગયાં.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભારતની જનતાએ ખુબ જ ઉંચી અપેક્ષાઓ સાથે નરેન્દ્રભાઈ મોદી ની સુશાસન અને વિકાસની રાજનીતિને સ્વીકારી અને ભારતનું સુકાન તેમને સોપ્યું.ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ ભારતમાં ૧૦૦ સ્માર્ટ સીટી નાં નિર્માણની વાતો કરેલી.સામાન્ય રીતે ચૂંટણી જીત્યા પછી નેતાઓ તેમણે પ્રજાને આપેલાં વચનો ભૂલી જતાં હોય છે પરંતુ મોદી સરકારનાં એક વર્ષ વીત્યાં પછી એવું સ્પષ્ટ દેખાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈનાં નેતૃત્વ હેઠળની આ ભાજપ સરકાર ચૂંટણી પહેલાં આપેલાં દરેક વચનોની પૂર્તિ માટે કટિબદ્ધ છે.જે સૌ ભારતવાસીઓ માટે આનંદની વાત છે.વડાપ્રધાને તાજેતરમાં જ ભારતનાં 'સ્માર્ટ સીટી મિશન'ની જાહેરાત કરી અને તેના પહેલાં ચરણની કામગીરીનો આરંભ પણ થઇ ગયો.'સ્માર્ટ સીટી મીશન' એ નરેન્દ્રભાઈ નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.'સ્માર્ટ સીટી મિશન'એ ભારતનાં શહેરોને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું એક ક્રાંતિકારી અભિયાન છે.તાજેતરમાં જ સ્માર્ટ સીટી માટે ભારતભરમાંથી પસંદગી પામેલા ૯૮ શહેરોની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી.આ શહેરોની પસંદગી પણ સ્માર્ટ સીટી ચેલેન્જ કોમ્પીટીશન દ્વારા કરવામાં આવી જે દર્શાવે છે કે સરકાર 'સ્માર્ટ સીટી મિશન'ની અસરકારક અને ઝડપી અમલવારી માટે અત્યંત ગંભીર છે.પહેલાં તબક્કામાં દેશભરમાંથી એવા શહેરો જ પસંદગી પામ્યા છે કે જે શહેરો સ્માર્ટ સીટી બનવા તરફ ઝડપથી આગળ વધી શકે તેવી તમામ પાયાની સુવિધાઓ અને અનુકુળતાઓ ધરાવતા હોય.'સ્માર્ટ સીટી મીશન'ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન નો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે સરકાર 'સ્માર્ટ સીટી મીશન'ની સફળતા માટે ખુબ જ તૈયારી સાથે તમામ પાસાંઓનો ખ્યાલ રાખી કાળજીપૂર્વક આગળ વધી રહી છે.સ્માર્ટ સીટી મીશન માં પસંદ થયેલા દરેક શહેરોને કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ ૧૦૦ કરોડની ફાળવણી પાંચ વર્ષ સુધી દર વર્ષે કરવામાં આવશે.સ્માર્ટ સીટી મીશન માટે કુલ ૪૮૦૦૦ કરોડ ની ફાળવણી કેન્દ્ર સરકારે કરી છે.

'સ્માર્ટ સીટી મીશન'
કોઇપણ દેશ માટે તેનાં શહેરો એ દેશનાં અર્થતંત્રનાં ગ્રોથ એન્જીન સમાન હોય છે.એક અંદાજ પ્રમાણે ભારતની કુલ વસ્તીનાં ૩૧ ટકા વસ્તી શહેરોમાં વસે છે અને તે ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં ૬૩ ટકા હિસ્સો ધરાવે છે.દિવસે ને દિવસે શહેરીકરણ વધતું જાય છે.ભારતમાં દર કલાકે અંદાજે ૬૦ થી ૭૦ પરિવારો ધંધા-રોજગાર અર્થે શહેરમાં સ્થળાંતર થાય છે.૨૦૩૦ની સાલ સુધીમાં ભારતની કુલ વસ્તીનાં ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે અને ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં તેનો હિસ્સો અંદાજે ૭૫ ટકા જેટલો હશે.વધતાં જતાં શહેરીકરણને ધ્યાનમાં રાખીને શહેરોનાં સમાજ જીવનને ગુણવતાયુક્ત આધુનિક જીવનશૈલી ધરાવતું બનાવવું હોય તો તેનાં માટે શહેરોનો ભૌતિક,સામાજીક અને આર્થીક ,આમ,તમામ સ્તરે એક સરખો વિકાસ થવો જરૂરી છે.ભારત સરકારનું 'સ્માર્ટ સીટી મીશન' આ દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત છે.

સ્માર્ટ સીટી એટલે શું ?
સ્માર્ટ સીટી એટલે શું તેનો કોઈ નિશ્ચિત વ્યાખ્યાયિત જવાબ આપવો મુશ્કેલ છે કારણકે દરેક વ્યક્તિ તેની વ્યાખ્યા જુદી-જુદી રીતે કરી શકે છે.સામાન્ય રીતે જોઈએ તો સ્માર્ટ સીટી એટલે એક એવું શહેર કે જ્યાં જીવન એકદમ સરળ અને સુવિધાપૂર્ણ હોય,જ્યાં લોકો ઉચ્ચ ગુણવતાયુક્ત જીવન જીવી શકે.જ્યાં રોડ-રસ્તા એકદમ સ્વચ્છ અને સુઘડ હોય.આધુનિક માળખાકીય સવલતો હોય.પ્રદુષણ મુક્ત - પર્યાવરણલક્ષી - ઇકો ફ્રેન્ડલી શહેર એટલે સ્માર્ટ સીટી.

સ્માર્ટ સીટી ની સુવિધાઓ
૧,પીવાનાં શુદ્ધ પાણીની નિયમિત સગવડતા
૨,નિરંતર વીજળી
૩,શહેરની સ્વચ્છતા માટે આધુનિક સગવડતાઓ સાથેનું ટીમવર્ક
૪,ઘન કચરાનાં નિકાલ માટેની આધુનિક સગવડતાઓ
૫,સુવિધાયુક્ત પબ્લિક ટ્રાન્સપોર્ટ
૬,ગરીબો માટે તેમને પોષાય તેવા હવા ઉજાસવાળા સુંદર-સ્વચ્છ આવાસો
૭,ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને સંપૂર્ણ ડીજીટલાઈઝેશન
૮,પ્રદુષણ મુક્ત વાતાવરણ,ગ્રીન-ઇકો ફ્રેન્ડલી શહેર
૯,ઈ- ગવર્નન્સ દ્વારા નાગરિકોની સહભાગિતા
૧૦,નાગરિકોની સલામતી અને સુરક્ષા માટેની આધુનિક વ્યવસ્થા
૧૧,આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેનું ગુણવતાયુક્ત શિક્ષણ
૧૨,આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેની સુલભ હોસ્પિટલ્સ
૧૩,પાર્કિંગ માટેની આધુનિક સુવિધાઓ દ્વારા ટ્રાફિક સમસ્યા મુક્ત શહેર
૧૪,દરેક વિસ્તારમાં ગાર્ડન,જોગીંગ પાર્ક,રમતનું મેદાન તેમજ સીનીયર સીટીઝન માટે સીટીંગ એરિયા
૧૫,વોક-ટુ-વર્ક - સાઇકલિંગ માટે અલાયદા ટ્રેક ની સગવડ

ઉપર દર્શાવેલી સુવિધાઓ ફક્ત મુખ્ય સુવિધાઓ છે આ ઉપરાંત અનેક વિશ્વ કક્ષાની સ્માર્ટ સુવિધાઓનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

LEED ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગમાં ભારત ત્રીજા ક્રમેં
ભારત સરકાર દ્વારા સ્માર્ટ સીટી મીશન દ્વારા ઇકો ફ્રેન્ડલી-ગ્રીનસીટીનાં નિર્માણ માટેની ઝુંબેશ શરુ થઇ છે ત્યારે આનંદનાં સમાચાર એ છે કે LEED ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગમાં અમેરિકા સિવાયનાં દેશોમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમેં આવ્યું છે.LEED એ યુ.એસ.ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલની ગ્લોબલ ગ્રીન બિલ્ડીંગ રેટિંગ સીસ્ટમ છે જે દરરોજ દુનિયાની ૧.૮૫ મિલિયન સ્કવેર ફીટ બાંધકામ જગ્યાને સર્ટિફાઈડ કરે છે.તાજેતરમાં જ તેનાં દ્વારા અમેરિકા સિવાયનાં દેશોનાં ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં ૪૮૧૪ પ્રોજેક્ટ્સ સાથે કેનેડા પ્રથમ ક્રમ પર,૨૦૨૨ પ્રોજેક્ટ્સ સાથે ચીન બીજા નંબરે તેમજ ૧૮૮૩ સર્ટિફાઈડ પ્રોજેક્ટ્સ સાથે ભારત ત્રીજા નંબરે આવ્યું હતું.જે દર્શાવે છે કે ભારતમાં પ્રાઇવેટ ડેવલોપર્સ પણ ઇકો ફ્રેન્ડલી-ગ્રીન પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યાં છે.આમ,સરકાર અને પ્રાઇવેટ ડેવલોપર્સ બન્ને સાથે મળીને ગ્રીન અને ક્લીન ભારત નાં નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે.

મીશન AMRUT (અટલ મીશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન)
શહેરી વિકાસની આ યોજના દ્વારા આવનારાં દિવસોમાં ભારતનાં નાનાં શહેરો પણ આધુનિક માળખાકીય સુવિધાઓ મેળવશે અને નાનાં શહેરોનાં લોકો પણ ગુણવતાયુક્ત જીવનશૈલી પ્રાપ્ત કરશે.આ યોજના હેઠળ એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં ૫૦૦ નાનાં શહેરોની પસંદગી કરવામાં આવશે અને આ ૫૦૦ નાનાં શહેરોનું નવીનીકરણ કરવામાં આવશે.આગળ જતાં આવતાં વર્ષોમાં આ શહેરો પણ સ્માર્ટ સીટી બનવાં તરફ આગળ વધશે.કેન્દ્ર સરકાર દ્વારા મીશન AMRUT માટે ૫૦૦૦૦ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે.આવનારાં દિવસોમાં ભારતનાં નાનાં શહેરો પણ વૈશ્વિક કક્ષાની સુખ-સુવિધાઓ ધરાવતાં થશે.


ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

સંસદનાં સત્રને ખોરવીને કોંગ્રેસે દેશનાં અર્થતંત્રને રૂંધવાનું કામ કર્યું

સંસદનાં ચોમાસુ સત્રને ખોરવીને
કોંગ્રેસે દેશનાં અર્થતંત્રને રૂંધવાનું કામ કર્યું
છેલ્લાં દશ વર્ષમાં કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનાં શાસન દરમિયાન અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો.તત્કાલીન કોંગ્રેસ સરકારની દિશા હીનતા તેમજ નીતિ વિષયક બાબતોમાં નિષ્ક્રિયતા ને લીધે દેશનો આર્થીક વિકાસ રૂંધાઇ ગયો હતો.ભારતીય અર્થતંત્ર માંદુ થઇ ગયું હતું.કોંગ્રેસનાં બેદરકાર શાસનને લીધે દેશની જનતા નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી ત્યારે ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓમાં જનતાએ નરેન્દ્રભાઈ મોદી ની સુશાસન અને વિકાસની રાજનીતિને અપનાવી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવ્યો.કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પણ બેસી નાં શકે તેટલી હદે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો.છેલ્લાં એક વર્ષથી કેન્દ્રની મોદી સરકાર રાત-દિવસ એક કરીને દેશનાં આર્થીક વિકાસની ગાડીને પાટા પર ચડાવવા માટે સખત મહેનત કરે છે.ભાજપ સરકારનાં નીતિ વિષયક બાબતોમાં તાત્કાલિક નિર્ણયો,જનહિત અને દેશની આર્થીક પ્રગતિ માટેની નવી-નવી યોજનાઓનો અસરકારક અને ઝડપી અમલ,પાયાની માળખાકીય સુવિધાઓ માટે યોગ્ય આયોજન અને અમલવારી વગેરે જેવાં પગલાંઓને લીધે આજે એક જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ભારતનું અર્થતંત્ર ફરીથી બેઠું થયું છે.લોકોમાં પણ ઉત્સાહનાં વાતાવરણનું નિર્માણ થયું છે.વિદેશી રોકાણકારોએ પણ ભારતને એશિયાનાં વિકાસનાં ગ્રોથ એંન્જીન તરીકે સ્વીકાર્યું છે.આજે સમગ્ર દેશ અને વિશ્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી,ઝડપી નિર્ણયશક્તિ અને દુરન્દેશીતા નાં વખાણ થાય છે.ઘણાં વર્ષો પછી ભારતને કામ કરતી સરકાર મળી છે ત્યારે ભાજપ સરકારની લોકપ્રિયતા જોઈ કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું છે.તેથી જ સંસદનાં ચોમાસુ સત્રમાં પાયા વિહોણા આક્ષેપો દ્વારા ધમાલ મચાવી કોંગ્રેસે સંસદની કાર્યવાહી અટકાવી દીધી.સંસદનાં ચોમાસુ સત્રમાં કામકાજ ના થવા દઈને કોંગ્રેસે દેશની જનતાનાં ૨૬૦ કરોડ બરબાદ કરી નાંખ્યા.કોંગ્રેસ સતા પર હતી ત્યારે ભ્રષ્ટાચાર દ્વારા જનતાનાં રૂપિયાની લુંટ ચલાવી અને હવે વિરોધ પક્ષમાં છે ત્યારે કોંગ્રેસ સંસદની કાર્યવાહી ખોરવીને દેશની જનતાનાં કરોડો રૂપિયા બરબાદ કરી રહી છે.કોંગ્રેસની નકારાત્મકતા ને લીધે ૨૦૧૦ થી લઈને અત્યાર સુધીનાં સંસદનાં તમામ સત્રોમાં સૌથી ઓછી કામગીરી આ ચોમાસુ સત્રમાં નોંધાઈ હતી.
ચોમાસુ સત્ર પહેલાનાં સંસદનાં શિયાળુ સત્ર અને બજેટ સત્રમાં છેલ્લાં ૧૫ વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધારે કામકાજ થયું હતું.અંદાજે ૧૨૨ ટકા જેટલી પ્રોડકટીવીટી બજેટ સત્રની હતી.સંસદનાં ચોમાસુ સત્ર પહેલાનાં બંને સત્રોમાં ભાજપ સરકારની રેકોર્ડ બ્રેક પ્રોડકટીવીટી જોઇને કોંગ્રેસ ડઘાઈ ગઈ હતી અને તેથીજ કોંગ્રેસે સંસદમાં ચર્ચા કરવાને બદલે સંસદની કાર્યવાહી અટકાવવાનું રાષ્ટ્રહિત વિરુધ્ધનું કાર્ય કર્યુઁ છે.સંસદમાં કુલ ૬૮ બીલ પેન્ડીંગ છે તેની સામે બંને ગૃહોમાં થઇ કુલ ફક્ત ૩ બીલો જ આ સત્રમાં પસાર થઇ શક્યાં.દેશની જનતા જેની વર્ષોથી રાહ જોઈ રહી છે તે GST બીલ આ ચોમાસુ સત્રમાં પસાર કરવાનું ભાજપ સરકારનું આયોજન હતું પરંતુ દેશનાં કમનસીબે કોંગ્રેસે સંસદની કામગીરી અટકાવી GST બીલને પસાર થવા નાં દીધું.દેશનાં આર્થીક વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે GST બીલનું પાસ થવું અત્યંત જરૂરી હતું.GST નાં અમલ માત્રથી દેશનાં આર્થીક વિકાસ દરમાં ૧/૫ થી ૨ ટકાનો વધારો થશે તેવું આર્થીક બાબતોનાં તજજ્ઞોનું માનવું છે ત્યારે સંસદની કાર્યવાહી ખોરવીને કોંગ્રેસે દેશની સવા સો કરોડ જનતાની આર્થિક પ્રગતી રૂંધવાનું પાપ કર્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે ૨૦૦૬ માં કોંગ્રેસે જ GST નો વિચાર રજુ કર્યો હતો અને ૨૦૧૧માં સંસદમાં GST બીલ રજુ કર્યું હતું.પરંતુ હવે જયારે ભાજપ સરકાર દ્વારા GST બીલમાં જરૂરી અગત્યનાં સુધારાઓ કરી આ બીલ સંસદમાં રજુ થઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રહિત ને બાજુએ રાખીને કોંગ્રેસ ફક્ત પોતાનાં રાજકીય સ્વાર્થ ખાતર આ બીલ પાસ નાં થવા દેવા માટે સંસદમાં ધમ પછાડા કરી રહી છે.સંસદનાં ચોમાસુ સત્રના ધોવાણથી દેશની જનતાને પણ ખ્યાલ આવ્યો છે કે કોંગ્રેસ માટે સમગ્ર દેશની આર્થીક પ્રગતી કરતાં પોતાનો રાજકીય સ્વાર્થ વધારે મહત્વનો છે.કેન્દ્રની ભાજપ સરકારની સરાહનીય કામગીરીને કોંગ્રેસ પચાવી શકતી નથી.એક જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ખુબ જ સારી કામગીરી દ્વારા મોદી સરકારે લોકોનાં દિલ જીતી લીધા છે જે કોંગ્રેસથી સહન થતું નથી તેથી જ સંસદની કામગીરી અટકાવી વિકાસનાં માર્ગે પુરપાટ ગતિથી ચાલતી ભાજપ સરકારનાં માર્ગમાં અવરોધો ઉભા કરે છે.કોંગ્રેસ ને ડર છે કે આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસની હાલત ૨૦૧૪ની ચૂંટણીઓ કરતાં પણ વધુ ખરાબ થશે તેથી જ તે રાષ્ટ્રહિત માટે કામ કરતી સરકારની ઉતમ કામગીરીઓને અવરોધી દેશની આર્થીક વિકાસની ગતિ ને ધીમી પાડવા શક્ય તેટલાં તમામ પ્રયત્નો કરે છે.આવનારી પેઢી કોંગ્રેસનાં આવા દેશ વિરોધી હીન કૃત્યોને કદી માફ નહીં કરે.

બુધવાર, 22 એપ્રિલ, 2015

જમીન સંપાદન વટહુકમ - ૨૦૧૪ એટલે ગામડાઓનો વિકાસ અને ખેડૂતોનું હિત

ભારતને અલ્‍પવિકસિત દેશમાંથી વિકસીત દેશ બનાવવાની દિશામાં ભાજપ સરકારનું મહત્‍વપૂર્ણ કદમ :


છેલ્લા ઘણા સમયથી સંસદમાં અને મીડીયામાં નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વવાળી એનડીએ સરકારે ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૪ ના રોજ સંસદમાં પસાર કરેલ જમીન સંપાદન વટહુકમ - ૨૦૧૪ વિશે જોરશોરથી ચર્ચાઓ ચાલે છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસ અને અન્‍ય પક્ષો દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ના કાયદામાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ખેડૂત વિરોધી છે. પરંતુ જો આપણે વાસ્‍તવિકતા તપાસીએ અને કાયદામાં થયેલા ફેરફારનો જો વિગતવાર અભ્‍યાસ કરીએ તો ખ્‍યાલ આવે છે કે જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪ એ ખેડૂતોના હિતમાં છે તેમજ તેના લીધે ગામડાઓનો વિકાસ થશે ગ્રામીણ યુવાનોને રોજગારી માટેના કાયમી પ્રશ્નોનો ઉકેલ આવશે અને ખેડૂત પરિવારો સમૃદ્ધ થશે.

જમીન સંપાદન કાનુન વિશે વાત કરીએ તો કેન્‍દ્રમાં જયારે કોંગ્રેસની સરકાર હતી અને દેશની સામાન્‍ય ચૂંટણીઓ નજીક આવતી હતી ત્‍યારે ભાજપ અને મોદી લહેરથી ગભરાઈ ગયેલી કોંગ્રેસ સરકારે ખેડૂતોની લાગણીઓ સાથે રમી તેનો રાજકીય લાભ ખાટવાના બદઈરાદાથી તાબડતોબ, કોઈપણ જાતના અભ્‍યાસ વગર ૨૦૧૩માં જમીન સંપાદન અધિનિયમ પસાર કર્યો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ૨૦૧૩ની સાલ સુધી ભારમાં બ્રીટીશ સરકારે બનાવેલો જમીન સંપાદન કાનુન ૧૮૯૪ મુજબ જ કાર્યવાહી થતી હતી. તો પહેલો સવાલ એ કે આઝાદી પછી દેશમાં મોટાભાગે કોંગ્રેસની સરકારે જ રાજ કર્યુ તો આટલા વર્ષોમાં કયારેય કોંગ્રેસને આ કાયદામાં સુધારો કરવાનુ કેમ ન સુઝ્‍યું? જમીન સંપાદનનાં ૧૮૯૪ના કાનુન મુજબ સરકાર કોઈપણ ખેડૂતની જમીન ગમે ત્‍યારે, કોઈપણ કિંમતે સંપાદન કરી શકતી હતી. આ કાયદા મુજબ દેશના ખેડૂતોને હળાહળ અન્‍યાય થતો આવ્‍યો છે. પરંતુ આઝાદીના ૬૬ વર્ષો વીતી ગયા. ખેડૂત સતત લૂંટાતો રહ્યો છતાં કોંગ્રેસને કયારેય ખેડૂતોના હિતનો વિચાર કેમ ના આવ્‍યો?

આજે જયારે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે. રોકાણના માહોલમાં પણ સુધારો આવ્‍યો છે. વૈશ્વિક રોકાણકારોને પણ ભારતની સરકાર પર વિશ્વાસ બેઠો છે ત્‍યારે દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે જૂના કાયદાઓમાં સમયાનુકુલ સુધારાઓ કરવા તેમજ ક્ષતિપૂર્તિ કરવી એ સરકારની જવાબદારી છે. કોંગ્રેસ સરકારે પસાર કરેલા જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ માં ઘણી ખામીઓ છે. અનેક રાજયોનાં કોંગ્રેસી મુખ્‍યમંત્રીઓ તેમજ તત્‍કાલીન કોંગ્રેસ સરકારના કેન્‍દ્રીય મંત્રીઓએ પણ આ કાયદાનો લેખિતમાં અનેક વખત વિરોધ કરેલ છે.

કોંગ્રેસે બનાવેલા આવા ખેડૂત વિરોધી કાયદામાં ફેરફાર કરી, વિકાસનાં સંકલ્‍પને આગળ ધપાવવા, ખેડૂતોનાં કલ્‍યાણ અને ગ્રામીણ વિકાસનાં લક્ષ્યને ધ્‍યાનમાં રાખી ભાજપ સરકારે ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ આવશ્‍યક સુધારાઓ સાથે જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪ પસાર કર્યો આ સુધારાઓ ખેડૂતોના હિત માટે છે તેમજ ગામડાઓને મુખ્‍ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરશે તેમ છતાં આ કાયદામાં હજુ પણ કંઈ ક્ષતિ રહી જતી હોય તો ખેડૂતોના હિત માટે તેમાં જરૂરી સુધારાઓ કરવા માટે પણ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તૈયારી દેખાડી છે. જે ખરેખર સાચા અર્થમાં લોકશાહીનું દર્શન કરાવે છે.
   * આ કાયદામાં ખેડૂતોના વળતરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્‍યો નથી. ખેડૂતોને જમીનની બજાર કિંમતનાં ચાર ગણા સુધીનું વળતર આપવામાં આવશે.
   * જે પરિવારની જમીનનું સંપાદન કરવામાં આવ્‍યુ હોય તેના ઓછામાં ઓછા એક સભ્‍યને રોજગારી આપવામાં આવશે.
   * જો નોકરી આપવામાં ન આવે તો પ્રત્‍યેક પરિવારને ૨૦ વર્ષ સુધી દર મહિને રૂ. ૨૦૦૦ (ફુગાવા વૃદ્ધિ સાથે) આપવામાં આવશે.
   * જમીન સંપાદન કાર્યવાહી દરમિયાન જો કોઈનું રહેણાંક મકાન જાય તો તે પરિવારને એક વર્ષ સુધી દર મહિને રૂ. ૩૦૦૦ નો નિર્વાહ ખર્ચ આપવામાં આવશે.
   * ખાનગી કંપનીઓને હોટલ, પ્રાઈવેટ સ્‍કુલ તથા પ્રાઈવેટ હોસ્‍પિટલ બનાવવા માટે કોઈ છૂટ આપવામાં આવી નથી.
   * ખાનગી કંપનીઓને જમીન સંપાદન માટે ૮૦ ટકા જમીન માલિકોની સંમતિ લેવી ફરજીયાત છે. તેમજ સામાજીક પ્રભાવનું મૂલ્‍યાંકન પણ કરાવવાનું રહેશે.
   ખેડૂતોને જમીન સંપાદન બાબતે પોતાની ફરીયાદો રજૂ કરવા  માટે ભાગ-દોડ નહિ કરવી પડે તેમની ફરીયાદો તે જ જીલ્લામાં સાંભળવામાં આવશે.
   
ખેડૂતોને ફાયદાઓ
   * ખેડૂતોનાં બાળકોને સ્‍કુલ કે કોલેજ જવા આવવા માટે રોજ લાંબી મુસાફરી કરવી પડે છે. તેના બદલે ગ્રામીણ ક્ષેત્રોમાં જ મોર્ડન સ્‍કુલ, કોલેજ તથા ઉચ્‍ચ શિક્ષણ માટેની સગવડતાઓ ઉભી કરવામાં આવશે.
   * દરેક ગામડાઓને પાકા માર્ગોથી રાજમાર્ગ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતો તેમના ઉત્‍પાદનો શહેરી વિસ્‍તાર સુધી આસાનીથી પહોંચાડી ઉચુ વળતર મેળવી શકે.
   * ગ્રામીણ ક્ષેત્રોમાં સરકાર દ્વારા આધુનિક સગવડતાઓ ધરાવતી હોસ્‍પિટલ ઉપલબ્‍ધ થશે જેથી ખેડૂત પરિવારોએ સારાવાર માટે શહેરમાં ધક્કા ખાવા નહિં પડે છે.
   * પાવર પ્‍લાન્‍ટના આયોજનની ગ્રામીણ ક્ષેત્રોમાં ૨૪ કલાક ગુણવતાયુકત વિજળી ઉપલબ્‍ધ થશે જેની ખેતીની ઉત્‍પાદનક્ષમતા પણ વધશે અને ખેડૂતોની જીવનશૈલીમાં પણ સુધારો થશે.
   * મુખ્‍ય તેમજ લઘુ સિંચાઈ યોજનાઓ જેમ કે, ડેમ, ચેકડેમ, પાઈપલાઈન, પપીંગ સ્‍ટેશન, વગેરે યોજનાઓ ઝડપથી પૂર્ણ થશે અને તેના વિલંબને કારણે થતી કઠણાઈથી મુકિત મળશે તેમજ સિંચાઈની સગવડતાને લીધે ખેડૂતો વધુ સમૃદ્ધ થશે.
   * રાજમાર્ગ અથવા રેલ્‍વેલાઈનની બંને બાજુ માત્ર એક કિલોમીટરનાં વિસ્‍તારમાં ઔદ્યોગિક કોરીડોર સ્‍થાપિત થઈ શકશે. જેમાં જમીન માલિકી સરકારની જ રહે છે. તેના દ્વારા ગ્રામીણ યુવાનો માટે સરકારની જ રહે છે. તેના દ્વારા ગ્રામીણ યુવાનો માટે તેના જ વિસ્‍તારમાં રોજગારીનું સર્જન થશે અને તેઓને પૈસા કમાવવા શહેરમાં રહેવા જવુ નહિ પડે.
   * ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓના વિકાસની ખેડૂતોની જમીનનાં મુલ્‍યમાં પણ વૃદ્ધિ થશે.
   * કોઈપણ ગામડું પછાત નહિ રહે. દરેક ગામડાઓ શહેર જેવી જ સુખ - સુવિધા થતા રોજગારી ધરાવતા બનશે.
   આમ જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪એ ખેડૂતો માટે આર્શીવાદ સમાન બની રહેશે. ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ રોજગારીને નવી ઉંચાઈએ લઈ જશે તેમાં કોઈ બે મત નથી. ખેડૂતોએ તેમને ગેરમાર્ગે દોરનારા તત્‍વોથી ચેતવુ જોઈએ. આઝાદી પછીના આટલા વર્ષોમાં કોંગ્રેસ સરકારોએ દેશના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. હવે જયારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં જૂના કાયદાઓમાં સુધારા કરી રહી છે ત્‍યારે ફરી એકવાર કોંગ્રેસ અન્‍ય પક્ષો સાથે મળી ખેડૂતોનું હિત બાજુએ મુકી ફકત પોતાનું રાજકીય હિત સાધવા માટે દેશભરના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે ત્‍યારે દેશના ભલા - ભોળા ખેડૂતોએ આવા ખેડૂત વિરોધી તત્‍વોને ઓળખી લેવા જોઈએ.



બુધવાર, 4 માર્ચ, 2015

ભારતીય અર્થતંત્રને સુપર પાવર બનાવવા માટેની બ્‍લુપ્રિન્‍ટ એટલે કેન્‍દ્રીય બજેટ ૨૦૧૫-૧૬

કેન્‍દ્રીય બજેટ ૨૦૧૫-૨૦૧૬ ભારતના અર્થતંત્ર માટે ખુબ જ મહત્‍વનું બજેટ છે. ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાનું કામ આ બજેટ કરશે.શેર બજારમાં નવી તેજીની શરૂઆત થશે.આ બજેટ ‘‘સૌનો સાથ. અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરતું બજેટ છે. જેમાં યુવાનોને રોજગાર, કિશાનોની પ્રગતિ અને ગરીબોની સમૃદ્ધિ દ્વારા દેશને આર્થિક પ્રગતિની નવી ઉચાઇ પર લઇ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્‍યો છે.જેના દ્વારા અર્થતંત્રના લાંબા ગાળાના લક્ષ્યાંકો સિદ્ધ થઇ શકશે. 
દેશના શેર બજાર અને નાના રોકાણકારોને સીધી કે આડકતરી રીતે હકારાત્‍મક અસરો થાય તેવા કેટલાક અગત્‍યના નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્‍યા છે. જેમ કે ઓલ્‍ટનેટીવ ઇનવેસ્‍ટમેન્‍ટ ફંડમાં વિદેશી સંસ્‍થાગત રોકાણકારોને મંજુરી અપાઇ છે. તેનાથી વિદેશમુડી શેર બજારમાં વધશે. અને FII માટેના નિયમો પણ સર થયા છે. આગામી દિવસોમાં રોકાણકારો ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, આઇ.ટી., ડીફેન્‍સ અને બેંકીગ ક્ષેત્રમાં રોકાણકરીને ખૂબ જ સારું વળતર મેળવી શકશે. ભારતમાં લાખો ટન સોનુ વર્ષો સુધી ફક્‍ત ઘરમાં જ સંગ્રહાયેલું પડયું રહે છે. તેના પર ભાવ વધારા સિવાયનો કોઇ લાભ રોકાણકારીને મળતી નથી અને તેના માટે સોનું પણ વેંચવુ પડે છે. ભારતમાં પ્રથમ વખત આ બજેટમાં નાણામંત્રીશ્રીએ મેટલ બેંકની યોજના જાહેર કરી છે. જે મુજબ ઘરમાં મુકેલું સોનું તમારી આવકનો નવોસ્ત્રોત બનશે. રોકાણકારો સોનું મેટલ બેંકમાં જમા કરાવી તેના પર નિયમિત વ્‍યાજ મેળવી શકશે. આ ઉપરાંત આરોગ્‍ય વિમા ઉપર કપાતની મર્યાદા ૨૫૦૦૦ સુધી કરી, પેન્‍શન ફંડમાં યોગદાનની મર્યાદા ૧.૫ લાખની કરવામાં આવી, ટ્રાન્‍સપોર્ટ ભથ્‍થામાં પ્રતિમાસ રૂ. ૧૬૦૦નો વધારો વગેરે જેવા સુધારાઓથી વ્‍યક્‍તિગત કરદાતાઓને ૪,૪૪,૨૦૦ રૂ. સુધીની આવક સંપુર્ણ કર મુક્‍ત થશે.
    આ બજેટ અર્થતંત્રના દરેક પાસાંને સ્‍પર્શે છે. મેકીંગ ઇન્‍ડીયાની નિતીને પણ પ્રોત્‍સાહિત કરે છે. તેના લીધે દેશમાં આર્થિક ગતિવીધિઓમાં વધારો થશે અને રોજગારી વધશે. ભારતની જનતાએ સુસાશન અને વિકાસના એજન્‍ડા પર મોદી સરકારને મતો આપ્‍યા હતા તેથી આ બજેટ પર લોકોને ખુબ જ અપેક્ષા હતી સામે છેલ્લા ૧૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં દેશ આર્થિક મંદી તરફ ધકેલાઇ ગયો હતો. દેશનો આર્થિક વિકાસદર ફરીથી વધારવો તે સૌથી મોટો પડકાર નાણામંત્રી માટે છે. તેવા સંજોગોમાં મોદી સરકારે દોરડા પર ચાલવાનુ સંતુલન દેખાડયું છે. તેથી આવતા દિવસોમા ભારતનો આર્થિક વિકાસદર બે આંકડાએ પહોંચશે તેમજ ભારતના તમામ નાગરીકોની આર્થિક સમૃધ્‍ધિ અને સુખાકારીમાં વધારો  થશે.
   આમ, કેન્‍દ્રીય બજેટ ૨૦૧૫-૧૬ને ભારતના અર્થતંત્રને સુપરપાવર બનાવવાની બ્‍લુ પ્રિન્‍ટ કહી શકાય.