શનિવાર, 4 જૂન, 2016

‘પોલિસી પેરાલિસીસ’ના યુગનો અંત,ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થયું.

પોલિસી પેરાલિસીસ’ના યુગનો અંત,ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થયું.


આર્થીક વિકાસની તેજ રફતાર : દો સાલ મોદી સરકાર :

વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪નો સમયગાળો ભારતીય અર્થતંત્ર માટે ‘ પોલિસી પેરાલિસીસ’ નો રહ્યો.૨૦૦૪માં વાજપેયી સરકારનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારતનો આર્થીક વિકાસ દર વધીને ૮ ટકા સુધી પહોંચી ગયો હતો.ત્યારબાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની.દેશનાં લોકોને એવી આશા બંધાઈ હતી કે નિષ્ણાંત અર્થશાસ્ત્રી મનમોહનસિંહના વડપણ હેઠળ ભારતીય અર્થતંત્ર હવે ૮ ટકાના વિકાસદરથી આગળ વધીને બે આંકડાનો વિકાસદર ચોક્કસ હાંસલ કરશે.વૈશ્વિક રોકાણકારો અને એનાલીસ્ટોનું પણ આવુંજ માનવુ હતું.પરંતુ કમનસીબે બધાંની આશા,નિરાશામાં ફેરવાઈ અને ૨૦૦૪ થી ૨૦૧૪ના સમયગાળા દરમીયાન કોંગ્રેસના શાસનમાં ભારતીય અર્થતંત્ર મંદીની ગર્તામાં ધકેલાય ગયું.તત્કાલીન કોંગ્રેસ સરકાર નીતિ વિષયક નિર્ણયો અને આર્થીક સુધારાઓની બાબતમાં સંપૂર્ણ નિષ્ફળ રહી.મનમોહન સરકારનાં જુદાજુદા ખાતાઓ વચ્ચેનો વિવાદ,વિસંગતતા અને સંકલનનો સંપૂર્ણ અભાવ,પ્રધાનમંત્રીની અનિર્ણાયકતા – નિષ્ક્રિયતા,સરકારની દિશાહીનતા, અબજોનાં ભ્રષ્ટાચાર વગેરે જેવી બાબતોની સૌથી વધુ ખરાબ અસર ભારતના અર્થતંત્ર પર થઇ.પરિણામે ૨૦૧૪માં જયારે આ કોંગ્રેસ સરકારનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારતનો આર્થીક વિકાસ દર બે આંકડાઓમાં પહોચવાને બદલે ૮ ટકાથી પણ ઘટીને ફરીથી ૪ ટકા સુધી પહોંચી ગયો.શેરબજારમાં પણ સતત મંદીનો માહોલ રહ્યો.અર્થતંત્ર માંદુ થયું.વિશ્વની તમામ અગ્રણી નાણાંકીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓએ પણ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું.વૈશ્વિક રોકાણકારોએ પણ ભારત તરફથી તેનું મોં ફેરવી લીધું હતું.દેશની જનતાનો પણ સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હતો.આવાં વાતાવરણમાં જયારે ૨૦૧૪માં નરેન્દ્રભાઈ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશની તિજોરી સાવ ખાલીખમ હતી.ત્યારે અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા પર ચડાવવાનો બહુ મોટો પડકાર મોદીસરકાર સામે હતો.

આજે,જયારે કેન્દ્રમાં મોદી સરકારે બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે ત્યારે અર્થતંત્રની આજની સ્થિતિનાં અભ્યાસ દ્વારા આપણે ની:સંકોચ કહી શકીએ કે મોદીસરકારે અર્થતંત્રને ગતિમાં લાવવાનો પડકાર સુપેરે પાર પડ્યો છે.ભારતીય અર્થતંત્રનું મૂલ્યાંકન કરતા ખ્યાલ આવે કે બે વર્ષનાં ખુબ જ ટૂંકા સમયગાળામાં ભારતીય અર્થતંત્રની ગાડી ફરીથી પાટા પર ચડી ગઈ છે.ભારતનું અર્થતંત્ર આજે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકસતું અર્થતંત્ર બન્યું છે.વિકાસદર બાબતે ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે.૨૦૧૪-૧૫નાં વર્ષમાં ભારતનો વિકાસદર ૭.૨ ટકાએ પહોચ્યો હતો.ત્યાર બાદ ૨૦૧૫-૧૬નાં ત્રીજા ક્વાર્ટરમાં વિકાસદર ૭.૬ ટકા રહ્યો અને ૨૦૧૫-૧૬નાં ચોથા ક્વાર્ટરનાં આંકડાઓ હમણાંજ પ્રસિદ્ધ થયા તે મુજબ ભારતીય અર્થતંત્રએ ૭.૯ ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે.જે સૂચવે છે કે આર્થિક અનિશ્ચિતતાનાં વૈશ્વિક માહોલમાં પણ ભારતે ખુબ સારી વૃદ્ધી નોંધાવી છે.ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ઉત્પાદન ક્ષેત્રે ૯.૩ ટકાની અને કૃષિ ક્ષેત્રે ૨.૩ ટકાની વૃદ્ધી થઇ છે.દેશનું ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર પણ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.રીફાઇનરી પ્રોડક્ટ્સ અને ઇલેકટ્રીસીટી ઉત્પાદનમાં પણ ૧૦ ટકાથી વધુ વૃદ્ધિને પગલે એપ્રિલમાં કોર સેકટર્સની વૃદ્ધી ૮.૫ ટકાની ચાર વર્ષની સૌથી ઉંચી સપાટી પર પહોંચી છે.કોર સેક્ટર ઇન્ડેક્ષમાં કોલસો,ક્રુડતેલ,નેચરલ ગેસ,રીફાઇનરી પ્રોડક્ટ્સ,ખાતર,સ્ટીલ,સિમેન્ટ અને ઇલેકટ્રીસીટી એમ કુલ આઠ સેકટર્સનો સમાવેશ થાય છે.જે દેશનાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩૮ ટકાનો હિસ્સો ધરાવે છે.કોર સેકટર્સની વૃદ્ધીમાં સતત પાંચમાં મહીને વધારો થયો છે.ભારતની માથાદીઠ આવક પણ ૭.૪ ટકા વધીને ૨૦૧૫-૧૬માં રૂ.૯૩,૨૯૩ થઇ છે જે આગલાં નાણાંકીય વર્ષમાં રૂ.૮૬,૮૭૯ ની હતી.માથાદીઠ આવક એ દેશની સમૃદ્ધીનાં ઈન્ડીકેટર તરીકે ઓળખાય છે.રાજકોષીય ખાધ પણ ૨૦૧૪ સુધીમાં વધીને જીડીપીનાં ૫ ટકા ઉપર પહોંચી ગઈ હતી તેની સામે મોદીસરકારે ૨૦૧૫-૧૬માં જીડીપીનાં ૩.૯ ટકાનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક પણ હાંસલ કરી લીધો છે.જે અર્થતંત્ર માટે ફાયદાકારક છે.

વિશ્વની તમામ અગ્રણી નાણાં સંસ્થાઓ તેમજ ક્રેડીટ રેટિંગ એજન્સીઓએ પણ ભારતનાં રેટિંગમાં હકારાત્મક સુધારો કર્યો છે.વૈશ્વિક રોકાણકારો પણ ફરીથી ભારત તરફ આકર્ષાયા છે.તાજેતરનાં જ આંકડાઓ પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં ભારતમાં વિદેશી રોકાણકારોએ પ્રાઇવેટ ઇક્વિટીમાં રેકોર્ડબ્રેક એવાં ૪૦ બિલિયન ડોલરનાં રોકાણો કર્યા છે.જે દર્શાવે છે કે વિશ્વ સ્તરે ભારતની શાખમાં વધારો થયો છે અને વિશ્વનાં આર્થિક નિષ્ણાંતોને મોદીસરકારની વિકાસનીતિ અને કાર્યશૈલી પર ભરોસો બેઠો છે.તેવી જ રીતે સ્થાનિક ઉત્પાદન પ્રવૃત્તિમાં પણ વેગ આવ્યો છે.તાજેતરનાં આંકડાઓ મુજબ ગયા મહીનાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ વધીને ૫૦.૭નાં સ્તર પર પહોંચ્યો છે. પીએમઆઈમાં ૫૦થી ઉપરનો આંક વૃદ્ધી દર્શાવે છે અને ૫૦થી નીચેનો આંક ઘટાડો સૂચવે છે.

દેશનાં શેરબજારો પણ ફરીથી ધમધમતાં થયા છે.૨૦૧૫-૧૬નાં વર્ષમાં ઇક્વિટી મ્યુચલફંડમાં ૩૯ લાખ નવાં રોકાણકારોનો ઉમેરો થયો છે.છેલ્લાં એક જ વર્ષમાં કુલ ૭૦,૦૦૦ કરોડનું જંગી મૂડી રોકાણ મ્યુચલફંડમાં થયું છે.૨૦૧૫-૧૬નાં વર્ષમાં ભારતમાં કારનું વેચાણ પણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે પહોંચ્યું છે.મોદીસરકારની નીતિવિષયક બાબતોમાં નિર્ણાયકતા,ઝડપી અને પારદર્શી વહીવટ,ભ્રષ્ટાચારમુક્ત શાસન,આર્થિક પોલિસીઓમાં ધરખમ ફેરફારો વગેરે જેવી બાબતોને લીધે દેશનાં અર્થતંત્રમાં તેજીનો સંચાર થયો છે તેમજ આવતાં વર્ષોમાં ભારતનો વિકાસદર બે આંકડાઓ પર પહોંચે તેના માટેનો મજબુત પાયો નંખાયો છે.આપણો દેશ આગામી દિવસોમાં વિશ્વની આર્થિક મહાસતા બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે, આવો, આપણે સૌ પણ પ્રગતિની આ દૌડમાં સામેલ થઈએ અને સમૃદ્ધીનાં નવાં શિખરો સર કરીએ.ભારત માતા કી જય