સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011

તમે પણ ખોલાવી શકો છો વિદેશમાં બેંક એકાઉન્ટ


આજે જ્યારે દેશભરમાં વિદેશની બેંકોમાં જમા ભારતીય કાળાનાંણાંની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે તમને જાણીને આનંદ થશે કે ફક્ત ભ્રષ્ટ રાજકારણીઓ,ભ્રષ્ટ અધીકારીઓ કે પછી માલેતુજાર લોકો જ ફક્ત વિદેશ ની બેંકોમાં તેમનાં એકાઉન્ટ ખોલાવી શકે તેવું નથી પરંતુ દેશનાં એક સામાન્ય નાગરીક તરીકે કાયદાકીય નીતિ નીયમોનું પાલન કરીને આપણે બધાં પણ અમુક શરતો ને આધીન રહીને વિદેશની બેંકો માં આપણું બેંક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ.

જો તમે બીજાં કોઈ દેશમાં પૈસાનું રોકાણ કરવા ઈચ્છતા હો કે પછી બીજાં દેશમાં મિલ્કત ખરીદવાનું આયોજન હોય અથવા તો ખરીદેલી મિલ્કત ભાડે આપી હોય અને તેનું ભાડું ત્યાંની બેંકમાં જમા લેવું હોય અથવા તો તમારાં ધંધાર્થે વારંવાર વિદેશ જવાનું થતું હોય તો આવા સંજોગોમાં વિદેશની બેંકમાં ખોલાવેલું એકાઉન્ટ તમને ઉપયોગી થઈ શકે છે.

એકાઉન્ટનાં પ્રકારઃ

તમે લીબરલાઈઝડ રેમીટેન્સ સ્કીમ (એલ આર એસ)હેઠળ વિદેશમાં ફોરેન (લોકલ) કરન્સી એકાઉન્ટ ખોલાવી શકૉ છો.એક નાંણાંકીય વર્ષમાં તમે તેમાં બે લાખ ડોલર (૯૦ લાખ રુપીયા)સુધીની રકમ જમા કરાવી શકૉ છો.તમારી જરુરીયાત મુજબ તમે સેવીંગ્સ એકાઉન્ટ,કરન્ટ એકાઉન્ટ કે પછી ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

# આંતરરાષ્ટ્રીય બેંકોમાં ઓફશોર એકાઉન્ટઃ

ડચ બેંક,એચ.એસ.બી.સી બેંક,સીટી બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય બેંકોમાં તમે આ પ્રકારનું એકાઉન્ટ ખોલાવી શકૉ છો.તમારે તેમાં ફક્ત સૌથી છેલ્લે ભરેલાં ઈન્કમ ટેક્સ રીર્ટનની કોપી આપવાની રહે છે.વળી આ આંતરરાષ્ટ્રીય એકાઉન્ટ દેશમાં રહેલાં એકાઉન્ટ સાથે જોડાણ ધરાવતું નથી.

# ભારતીય બેંકોમાં ચેકીંગ એકાઉન્ટઃ

ભારતની મોટાભાગની મોટી બેંકો અમેરીકા,સીગાપુર,દુબઈ,બ્રીટન,હોંગકોંગ વગેરે જેવાં દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે.આમાંથી મોટાભાગની બેંકોમાં તમે ચેકીંગ એકાઉન્ટ ખોલાવી શકો છો.જેનાં દ્વારાં તમે વિદેશમાં પેમેન્ટ કરી શકો છો.ચેકીંગ એકાઉન્ટ એક પ્રકારનું કરન્ટ એકાઉન્ટ જ છે જેમાં બેંક તમને ચેક તથા એટીએમ કાર્ડ દ્વારાં પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવાની સુવિધા આપે છે.આ એકાઉન્ટમાં નાંણાં ઉપાડવા કે જમા કરાવવાની કોઈ નિશ્ચીત મર્યાદા હોતી નથી.


# ઈન્ટરનેટ ઓન્લી બેંકઃ


આ પ્રકારની બેંકો સામાન્ય રીતે વધુ વ્યાજ આપતી હોય છે.કારણકે આ પ્રકારની બેંકો ને માળખાગત સુવિધાઓ પર ખર્ચ કરવાનો હોતો નથી.તમે આ પ્રકારની બેંકોમાં પણ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકો છો.પરંતુ સલામતી ખાતર આ પ્રકારની  બેંકોમાં એકાઉન્ટ ખોલાવતાં પહેલાં તેનાં વિષે પુરેપુરી જાણકારી મેળવ્યા બાદ જ તેમાં એકાઉન્ટ ખોલાવવું હિતાવહ છે.જો આ પ્રકારની અમેરીકન બેંક હોય તો નીચે બતવેલ વેબસાઈટ પરથી તમે તારણ કાઢી શકો છો કે કઈ બેંકંમાં એકાઉન્ટ ખોલાવવું સલામત છે.આ વેબસાઈટ પર આ પ્રકારની બેંકોને રેટીંગ આપવામાં આવે છે.
http://www.bankrate.com/rates/safe-sound/ratings-structure.aspx


# વિદેશમાં લોકલ બેંકઃ


તમે જે દેશમાં રોકાણ કરવાનું ઈચ્છતા હો તે દેશની લોકલ બેંકમાં પણ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.તેનો કાયદો એ છે કે તમારા પૈસા ત્યાંની લોકલ કરન્સીમાં જ રહે છે અને તમારે તાત્કાલીક પૈસાની જરુરીયાત  ના હોય તો તમે ફોરેન એક્સ્ચેંજ રેટ ને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે પૈસા ઉપાડી શકો છો.તેમજ આ બેંક તે દેશનાં કાયદા અને નિયમો થી વધારે પરિચીત હોય છે તેથી યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે.


અગત્યની નોંધઃ વિદેશમાં એકાઉન્ટ ખોલાવવા માટે તમારે ત્યાં રુબરુ જવાની જરુર રહેતી નથી.તમારી ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધારે હોવી જરુરી છે.વિદેશી ખાતામાં જમા રકમ તમારે ત્યાંની લોકલ કરન્સી અથવા    ડોલર,પાઉન્ડ કે યુરોમાં રાખવી જરુરી છે.જમા રહેલી રકમ બીજી કરન્સીમાં હોવાથી જ્યારે તમે તે રકમ ભારતમાં પરત લાવશો ત્યારે તે કરન્સીનાં એક્સ્ચેંજ રેટની અસર પણ તમારે ધ્યનમાં રખવી જરુરી છે.


એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રીયાઃ


(૧)સંપર્ક કરોઃ બેંકનાં ઓવરસીઝ બુકીંગ સેન્ટરનો સંપર્ક કરો તેનાં રિલેશનશીપ મેનેજર આપની સહાયતા કરશે.


(૨)જરુરી પુરાવાઓઃ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે અમુક અગત્યનાં પુરાવાઓ રજુ કરવાનાં રહેશે જેમકે રહેઠાણનો પુરાવો,છેલ્લું આઈ.ટી.રીટર્ન,ઓળખનો પુરાવો તેમજ તમે જે રકમ જમા કરાવો છો તે રકમ    તમારી કાયદેસરની આવક છે તેનો આધાર તેમજ અમુક બેંકો તમારી અંહીયાની લોકલ બેંકનો લેટર ઓફ રેફરન્સ પણ પુરવા તરીકે માંગી શકે છે.


(૩) રકમ જમા કરાવવીઃવિદેશી બેંકની ઓવરસીઝ બ્રાંચમાં તમારા પોર્ટફોલીયોની અને તમારાં પુરાવાઓની યોગ્ય તપાસ પુરી કરી તમને તમારાં એકાઉન્ટમાં રકમ જમા કરાવવા માટેની સુચના આપશે.દરેક બેંકની લઘુતમ રકમ જમા કરાવવાની મર્યાદા જુદી જુદી હોય છે.જેમકે એચએસબીસી ઈન્ડીયામાં તમારે મીનીમમ ત્રણ લાખ રુપીયા જમા કરાવવા પડે છે.આ રકમ માં તમારું રોકાણ તેમજ સેવીંગ્સ એકાઉન્ટની બેલેન્સ એમ બંને વસ્તુઓ સામેલ હોય છે.આ રકમ જમા પહોંચ ભરીને જમા કરાવવાથી તમારું એકાઉન્ટ ચાલુ થઈ જાય છે..ત્યાર બાદ તમારાં ઈન્ટરનેશનલ એકાઉન્ટમાં આ પૈસા તમારા દેશી એકાઉન્ટ દ્વારાં ટ્રાન્સફર થઈ શકે છે.જેમાં ઈન્ટરનેશનલ બેંક એકાઉન્ટ તેમજ રોકાણ માટે પણ એક મીનીમમ બેલેન્સની રકમ જમા રાખવી પડતી હોય છે.જે એચએસબીસી ઈન્ટરનેશનલનાં કીસ્સામાં મીનીમમ ૨૫ હજાર પાઉન્ડ (અંદાજે ૧૮.૮૬ લાખ રુપીયા) જેટલી રકમ જમા કરાવવી પડતી હોય છે.


રોકાણ માટેનું માર્ગદર્શનઃ તમે જો વિદ્શમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો બેંક આપની મદદ કરે છે.તમે ધારો કે વિદેશમાં મિલ્કત ખરીદવા માંગતા હો તો બેંક તેની સાથે જોડાયેલાં વિશ્વસનીય બ્રોકર્સ સાથે તમારી મુલાકાત કરાવી આપે છે.તેમજ એ સિવાયનાં રોકાણ સાધનો માટે પણ બેંક માર્ગદર્શન આપે છે.
સેવાનાં દર અને સુવિધાઓઃ


(૧) ફોન અને ઈન્ટરનેટ બેંકીંગઃફોન અને ઈન્ટરનેટ દ્વારાં તમને ૨૪ કલાક ફંડ ટ્રાન્સફર,એકાઉન્ટ બેલેન્સ,બેંક સ્ટેટમેંન્ટ વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ રહે છે.દરેક બેંકનાં આ સેવાઓ માટેનાં દર જુદાં જુદાં હોય છે.


(૨)રોજીદી સેવાઓઃતમે દુનીયાનાં કોઈપણ દેશમાંથી તે બેંકનાં એટીએમ દ્વારાં પૈસા ઉપાડી શકો છો જેનાં પર કોઈ પ્રકારનો ટ્રાન્ઝેકશન ચાર્જ લાગતો નથી.પરંતુ તમે જો બીજી કરન્સીમાં ઉપાડ કરો છો કે જે તમારાં એકાઉન્ટની  કરન્સી નથી તો જે તે સમયનાં ફોરેન એક્સચેંજ નાં રેટ મુજબ તે રકમ ની ગણતરી કરવામાં આવશે અને તેનાં પર ૨.૫ ટકા કન્વર્ઝન ફી પણ આપવાની રહેશે.


(૩) સેવાનાં દરઃ તમારું એકાઉન્ટ જે બેંકમાં અને જે દેશમાં હોય તે મુજબ અલગ અલગ બેંકોનો સેવાનો દર અલગ અલગ હોય છે.એચએસબીસી ઈન્ટરનેશનલનાં એડવાન્સ એકાઉન્ટનો સેવાનો દર નીચે મુજબ   છે.


# ૧૫ પાઉન્ડ (૧૧૩૧ રુપીયા)- માસીક ફી.


# ૧૦ પાઉન્ડ (૭૫૫ રુપીયા) - મીનીમમ બેલેન્સ ચાર્જ,જે મહીને તમારું બેલેન્સ ૨૫૦૦૦ પાઉન્ડ (૧૮.૮૬ લાખ)થી ઓછું થાય ત્યારે.


# ૧ પાઉન્ડ - સ્ટૅટમેંટ ચાર્જ,વર્ષમાં એકવારથી વધારે વખત સ્ટેટમેંટ કઢાવવું હોય તો દરેક વખતે આ ચાર્જ ભરવાનો રહે છે.    

રવિવાર, 17 જુલાઈ, 2011

પોસ્ટ ઓફીસની મંથલી ઈન્કમ સ્કીમઃસલામતી સાથેની નિશ્ચીત આવક

આજનાં અનિશ્ચીત આર્થીક મહોલમાં જે લોકો ને પોતાનાં એક સાથેનાં રોકાણો પર નિશ્ચીત મુદત સુધી નિયમીત અને ખાત્રી પુર્વકની આવક ઉભી કરવી હોય તેનાં માટે ભારતીય પોસ્ટ ની મંથલી ઈન્કમ સ્કીમ એક ઉપયોગી રોકાણ સાધન બની શકે છે.ખાસ કરીને નિવ્રુત,વયો વૃધ્ધ તેમજ વિધવા કે ત્યક્તા સ્ત્રીઓ વગેરે પોતાને મળેલી એક સામટી રકમનું આ સ્કીમમાં રોકાણ કરીને સંપુર્ણ સલામતી સાથે દર મહીને નિશ્ચીત આવક મેળવી શકે છે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારાં નક્કી થયેલ પોસ્ટ ઓફીસ પરથી આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.આ મંથલી સ્કીમની મુદત ૬ વર્ષની છે.આ સ્કીમમાં જમા કરાવેલી રકમ પર ૬ વર્ષ સુધી વાર્ષીક ૮ ટકા નાં ધોરણે નિશ્ચીત વળતર આપવામાં આવે છે.જે દર મહીને ચુકવવામાં આવે છે.આ સ્કીમમાં સીંગલ તેમજ જોઈન્ટ એકાઉન્ટ એમ બંને પ્રકારનાં એકાઉન્ટ ખોલવાની સગવડતા આપેલ છે.આ સ્કીમ માં ઓછા માં ઓછું ૧૫૦૦ રુપીયાનું રોકાણ કરી શકાય છે તેમજ સીંગલ એકાઉન્ટમાં વધુમાં વધુ ૪.૫ લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ ૯ લાખનું રોકાણ કરી શકાય છે.કોઈપણ વ્યક્તિ ઉપર મુજબની રોકાણ મર્યાદામાં રહીને પોતાનાં નામે એક કરતાં વધારે એકાઉન્ટ ખોલાવી શકે છે.

છ વર્ષની પાકતી મુદત પહેલાં જ આ સ્કીમ બંધ કરાવી બધાં રુપીયા ઉપાડી લેવાં હોયતો એક વર્ષ પછી ઉપાડી શકાય છે પરંતુ એક થી ત્રણ વર્ષ સુધી ૨ ટકા અને ત્રણ વર્ષ પછી ૧ ટકા લેખે પેનલ્ટી લગાડવામાં આવશે.

આ મંથલી ઈન્કમ સ્કીમમાં વાર્ષીક ૮ ટકા લેખે વળતર ચુકવવામાં આવે છે તેમજ પાકતી મુદતે ૫ ટકા નું વધારાનું બોનસ પણ ચુકવવામાં આવશે.પાકતી મુદત પછી પણ જો મુડી જમા રાખવી હોય તો ૨ વર્ષ સુધી જમા રાખી શકાય છે જેનાં પર બચત ખાતા જેટલું વ્યાજ આપવામાં આવશે.આ સ્કીમમાં TDS કાપવામાં આવતો નથી અને આ સ્કીમમાં થયેલી આવક પર લાગુ પડ્તાં ઈન્કમ ટેક્સનાં સ્લેબ મુજબ ટેક્સ ચુકવવાનો રહેશે.

શુક્રવાર, 17 જૂન, 2011

જીવન વીમા (લાઇફ ઈન્શ્યુરન્સ) નું આપણાં જીવનમાં કેટલું મહત્વ ?

આપણાં કોઈ સગાં વ્હાલાં,મીત્ર કે કોઈ ઓળખીતા નો આપણ ને ફોન આવે કે મેં જીવન વીમા નું કામ ચાલું કર્યું છે અને મારે એ બાબતે તમને મળવું છે તો આપણો પહેલો જવાબ શું હશે???કાં તો આપણે તેને ચોખ્ખી નાં પાડી દેશું અથવા તો કહેશું કે અરે મેં તો હજુ ગયા મહીને જ એક પોલીસી લઈ લીધી કાં કહેશું કે હમણાં પૈસાની સગવડ્તા નથી વગેરે વગેરે,,,,,ટુંકમાં આપણે તેને જુદાં જુદાં કોઈપણ પ્રકારનાં બહાનાં બતાવી ને ટાળવાનો પ્રયત્ન કરશું.સાવ દેશી ભાષામાં કહું તો આપણે તેને 'ઠેકાડી'એ ,બરાબર ને??આપણે જીવન વીમો લેવાં માટે ક્યારેય આસાની થી તૈયાર થતાં નથી અને જો આપણે એકાદ બે પોલીસી લીધી પણ હશે તો એ પણ કાં તો સંબંધ રાખવા ખાતર પરાણે અથવા તો ટેક્ષ બચાવવા માટે લીધી હશે.બહુ ઓછાં લોકોએ વીમાનો સાચો ઉપયોગ સમજીને વીમાની પોલીસી લીધી હશે કારણકે પહેલી નજર થી જોઈએ તો હકીકતમાં આપણને દેખીતી રીતે વીમાની કોઈ જરુરીયાત દેખાતી નથી કારણકે વીમો ના લેવાંથી આપણી જીંદગીમાં કોઈ સીધૉ મોટો ફરક આપણને દેખાતો નથી.વાસ્તવમાં આપણને ખબર જ નથી કે અપણે વીમો લેવો જોઈએ કે નહીં ?



આમ પણ એક હ્યુમન સાઈકોલોજી છે કે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ કે સેવાની પુરે પુરી જરુરીયાત નાં જણાંય ત્યાં સુધી આપણે ક્યારેય કોઈ પણ
ખરીદી કરતાં નથી એટ્લે કે આપણે બહુ આસાની થી ખીસ્સામાં હાથ નાંખતાં નથી.જીવનવીમો એક એવી વસ્તુ છે કે પહેલી નજરે આપણ ને તેની જરુરીયાત લાગતી નથી.આપણાં કપડાં ફાટી ગયાં હોય તો આપણને નવાં લેવાંની જરુરીયાત જણાંય એટ્લે આપણે નવાં કપડાં લઈએ છીએ,એવી રીતે આપણી દરેક ખરીદી આપણી જરુરીયાત ને આધીન હોય છે.
હવે જીવન વીમા માં તો આપણને આવી કોઈ તાત્કાલીક જરુરીયાત દેખાતી નથી.કયારેય એવું બન્યું કે આપણને માથું દુઃખતું હોય અને ડોક્ટરે આપણને કહ્યું હોય કે એક કામ કરો જીવન વીમાની એક પોલીસી લઈ લો એટ્લે માથું દુઃખતું બંધ ! કહેવાનો મતલબ કે જીવન વીમો લેવાંથી કે ના લેવાથી આપણી જીદગીને તાત્કાલીક રીતે કોઈ ફાયદો કે નુક્સાન થતું નથી એટલાં માટે જ્યારે કોઈ વીમાની વાત કરે એટ્લે આપણો પહેલો જવાબ નાં હોય છે.
તો હવે આપણે જાણીએ કે ખરે ખર આપણે જીવન વીમાની જરુર છે કે નહીં ? 

જીવન વીમો આ શબ્દ જ આપણી જીંદગી સાથે જોડાયેલો છે તો આપણે જીવન વીમાની જરુરીયાત છે કે નહીં તે આપણાં બધાંની જીંદગી સાથે જોડાંયેલાં બે કડવાં સત્યો કે બે કડવી વસ્તવીક્તાઓ દ્વારાં સમજીએ.


આપણાં જીવનનાં બે કડવાં સત્યો છેઃ મૌત અને નિવૃતી.

આ બંને કડવાં સત્યો આપણાં બધાંનાં જીવનને લગભગ સમાન રીતે લાગુ પડે છે.

મૌત



જેનો જન્મ છે તેનું મૃત્યું નીશ્ચીત છે. આપણે બધાંએ એક દિવસ મરવાનું જ છે.મૄત્યુ એ એક સનાતન સત્ય છે.મૄત્યુ નિશ્ચીત છે પરંતુ તેનો સમય અનિશ્ચીત છે.કૉણ ક્યારે મરવાનું છે તે કોઇને ખબર નથી.બધાંને ખબર છે કે આપણે એક દિવસ મરવાનું જ છે પરંતુ મરવું કોઇને નથી.હકીકત માં આપણે મૄત્યુથી એટલાં બધાં ડરીએ છીએ કે આપણે પણ એક દિવસ આ પૄથ્વી ઉપર નહીં હોઇએ તે વાસ્તવીક્તા હોવા છતાં આપણે જાણે કોઈ દિવસ મરવાનાં જ નથી એવાં વહેમમાં અને અભીમાનમાં જીવતાં હોઇએ છીએ.સામાન્ય રીતે ક્યારેય આપણે આપણાં મરવાનો વિચાર પણ નથી કરતાં.ક્યારેય કોઇને પોતાની સ્મશાન યાત્રાનું સપનું આવ્યું છે ? બીજાં જુદાં જુદાં ઘણાં પ્રકારનાં સપનાંઓ આપણને આવતાં હોય છે પરંતું આપણાં મૌતનું સપનું આપણને ક્યારેય આવતું નથી.તો હવે સવાલ એ છે કે આપણે ક્યારેય આપણાં મૄત્યુનો પણ વિચાર નથી કરતાં તો પછી આપણાં મૄત્યુ પછી આપણાં પરીવાર ઉપર તેની શૂં અસર થાય એ તો બહુ દુરની વાત થઈ ગઈ.એટલું લાંબુ તો કોણ વિચારે ? 



આપણાં મૄત્યુ પછી આપણાં પરીવાર ઉપર તેની બે પ્રકારની અસર થાય છે.એક છે ઇમોશનલ લોસ અને બીજો છે ફાયનાન્સિયલ લોસ.આપણે મરી જાઇએ તો આપણો પરીવાર દુઃખી દુઃખી થઈ જાય.આપણાં વગર જીવન કેમ વીતાવવું એ પણ એક સવાલ થઈ પડે.આ છે ઇમોશનલ લોસ,તેનો ઇલાજ એક જ છે સમય,જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તે લોકો સત્ય સ્વીકારીને જીવન જીવવા લાગે છે અને સમયનાં વહેણમાં દુઃખ વિસરાતું જાય છે.
આપણાં મૄત્યુની આપણાં પરીવાર ઉપર બીજી અસર છે ફાયનાન્સિયલ લોસ - આર્થીક નુકસાન ,આપણે જીવતાં હોઇએ,આપણે કમાતાં હોઇએ તે કમાણીમાંથી આપણાં પરીવારનું ગુજરાન ચાલતું હોય છે.આપણું મૄત્યુ થાય એટલે આપણી આવક પણ બંધ થઈ જાય છે પરંતુ ખર્ચાઓ તો ચાલુ જ હોય છે.આવાં સંજોગોમાં એક પરીવાર આવક વગર કેટલો સમય જીવન પસાર કરી શકે.આપણાં મૄત્યુ પછી સગાં-વ્હાલાં,મીત્રો બધાં લોકો સંત્વનાં કે આશ્વાસનનાં બે શબ્દો આપવા આવશે પણ કોઇ રુપીયાનું બંડલ લઈને આપણાં પરીવારને દેવા નહીં આવે.આવાં સમયે આપણાં પરીવારને જીંદગી જીવવા માટે સૌથી પહેલી જરુર રુપીયાની પડશે.પૈસા હશે તો આપણાં પરીવારને કોઈ પાસે ભીખ માંગવા જવું નહીં પડે.આપણાં મૄત્યુ પછી આપણાં પરીવારને એક નિશ્ચીત રકમ આપવાની ખાતરી લાઈફ ઈન્શ્યુરન્શ આપે છે.આ રકમથી પરીવારને જીંદગી જીવવાનો ટેકો મળી જાય છે.લાઇફ ઇન્શ્યુરન્સ આપણાં પરીવારને એક આર્થિક સુરક્ષા કવચ પુરું પાડે છે.જેમ બને તેમ મોટી રકમનો વીમો લઈ આપાણાં પરીવારને સંપુર્ણ આર્થૉક સુરક્ષા આપવી તે આપણાં સૌ નું કર્તવ્ય છે.આપણાં પરીવાર પ્રત્યેની આપણી ફરજ છે અને આપણી જવાબદારી પણ છે. 

નિવૄતીઃ


નિવૄતી પણ આપણાં જીવનનું એક કડવું સત્ય છે.જો આપણે વહેલાં ના મરીએ તો લાંબુ જીવવાનાં છીએ,તો હવે લાંબુ જીવીએ તો પણ ઉપાધી.જ્યાં સુધી આપાણે કામ કરતાં હોઇએ ત્યાં સુધી આપણી એક નિશ્ચીત આવક ચાલુ રહે છે પણ જેવાં નિવૄત થઈએ એટલે આવક બંધ થઈ જાય પરંતુ ખર્ચાઓ તો ચાલુ જ રહેવાનાં છે.અને હવેનાં સંતાનો આખી જીંદગી માં બાપ ને સારી રીતે જ સાચવે તેની કોઈ ખાતરી રહી નથી એ પણ એક સનાતન સત્ય છે જે આપણે સ્વીકારીને જ ચાલવું જોઇએ.પણ જો આપણી નિવૄતી પછી પણ,કામ કર્યા વગર એક નિશ્ચીત રકમ નો ચેક દર મહીને આવતો હોય તો એ ઉંમરે આપણે કોઇ પાસે ભીખ માંગવી ના પડે કે કોઈ આગળ ઓશીયાળાપણું ન કરવું પડે.પરંતુ તેનાં માટે આપણે જ્યારથી કમાતા થઈએ ત્યારથી જ આપણે નીયમીત બચત કરવી જોઈએ.તો લાઇફ ઇન્શ્યુરન્શ એ આપણિ નિવૄતી નાં નાંણાંકીય આયોજન માટે પણ મદદ કરે છે.લાઈફ ઈન્શ્યુરન્શમાં નીયમીત બચત કરવાથી પાકતી મુદતે એક નીશ્ચીત મોટી રકમ આપણને મળે છે જે રકમનું પેન્શન યોજનાંમાં રોકાણ કરી ને જીવીએ ત્યાં સુધી એક નીયમીત આવક મેળવી શકાય છે.


આમ,લાઈફ ઇન્શ્યુરન્શ એ જો આપણે વહેલાં મૄત્યુ પામીએ તો આપણાં પરીવારને ખાતરીપુર્વક ની નાંણાંકીય સુરક્ષા પુરી પાડે છે અને જો આપણે લાંબુ જીવીએ તો પણ આપણી નિવૄતી પછીનાં નાંણાંકીય આયોજનમાં માદદ કરે છે.લાઇફ ઇન્શ્યુરન્શ એ આપણાં માટે એક વરદાન રુપ છે અને આજનાં સમયમાં લાઇફ ઈન્શ્યુરન્શ એ રોકાણ માટેનું એક ઉતમ સાધન છે.   





સોમવાર, 11 એપ્રિલ, 2011

SBI બેંક માં PPF એકાઉન્ટ કેવી રીતે ખોલાવશો ?


આપણાંમાં થી ઘણાંખરાં લોકો તેનું PPF એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય છે.પરંતુ જીંદગીની ઘાટમાળમાં અટવાયેલાં આપણે સૌ તેનાં માટે સમય ફાળવી શકતાં નથી અને સાથે થોડી
આળસ પણ,બરાબર ને?પરંતુ તમને જાણીને આનંદ થાશે કે SBI બેંક માં PPF એકાઉન્ટ ખોલાવવું સાવ સહેલું છે અને તે ફક્ત ૩૫ થી ૪૦ મીનીટનું જ કામ છે.તો હવે મોડું ના કરતાં.

SBI બેંક માં PPF એકાઉન્ટ ખોલાવવાનાં ફાયદા

# ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક.

SBI બેંકની ઓનલાઈન ટ્રાન્ઝેકશન ની સગવડને લીધે તમે ઘેર બેઠાં જ ઈન્ટર્નેટ દ્વારાં તમારાં PPF એકાઉન્ટમાં રુપીયા જમા કરાવી શકો છો.

# SBI બેંકનું તમારું બચત ખાતું તમારાં PPF એકાઉન્ટ સાથે જોડી દેવાંથી બચતખાતામાંથી PPF એકાઉન્ટમાં સીધાં જ રુપીયા જમા કરાવી શકાય છે.

ફક્ત ત્રણ જ પગલાંમાં તમારું PPF એકાઉન્ટ ખોલાવો

૧, તમારી નજીકની SBI બેંકની બ્રાંચ શોધો

૨, તમારાં રહેણાંક નો પુરવો અને વ્યક્તિગત પુરવા ની નકલ સાથે લઈલો
 દા.ત.* પાસપોર્ટ *પાન કાર્ડ * વોટર્સ આઈ ડી કાર્ડ *રાશન કાર્ડ
 સાથે બે પાસપોર્ટ સાઈઝનાં કલર ફોટોગ્રાફ.

૩, SBI બેંકની શાખામાંથી PPF એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ લઈ તેમાં જરુરી વિગતો ભરી,તમારી સહી કરો,નોમીનીનું નામ લખો,કોઈપણ એક સાક્ષીની સહી કરાવો,જેટલાં રુપીયા જમાં કરવા હોય તેટલાં રુપીયાની પે-ઈન સ્લીપ ભરો,રુપીયા જમા કરવો અને કાઊન્ટર પર PPF ફોર્મ,પે-ઈન સ્લીપ અને સાથે તમારાં વ્યક્તિગત અને રહેણાંક નાં પુરાવાની નકલ જોડૉ અને તમારાં PPF એકાઉન્ટની પાસબુક મેળવો.

બસ,PPF એકાઉન્ટ ખોલાવવું આટલું જ સહેલું અને સરળ છે,તો હવે રાહ શેની જુઓ છો?આજે જ તમારું અને તમારાં પરીવારનાં તમામ સભ્યોનું PPF એકાઉન્ટ ખોલવો અને નાંણાંકીય ભવીષ્ય ઉજળું બનાવો. 

મંગળવાર, 5 એપ્રિલ, 2011

પબ્લીક પ્રોવિડંડ ફંડ (PPF)> નિવૄતિ નાં આયોજન સાથે ટેક્ષ ની બચત

પબ્લીક પ્રોવિડંડ ફંડ (PPF) એ લાંબાગાળે મોટી મુડી ઉભી કરવાનું એક ઉતમ સાધન છે.જીંદગીનાં અમુક ધ્યેયો એવાં હોય છે કે જેનાં માટેનાં રોકાણોમાં કોઈ જોખમ ઉઠાવી ના શકાય.આવાં ધ્યેયો પુરાં કરવા માટે PPF એક સંપુર્ણ સલામત રોકાણની સગવડ પુરી પાડે છે.નિવૃતિ પછી ની જીંદગી માટે નાની ઉંમરથી જ સુયોગ્ય નાંણાંકીય આયોજન કરવું એ પણ એક એવું ધ્યેય છે કે જેમાં કોઈ જોખમ ઉઠાવી નાં શકાય.PPF એ આવાં લાંબાગાળાનાં ધ્યેયો પુરા કરવા માટે રોકાણનું એક ઉતમ સાધન છે જેમાં રોકાણ દ્વારાં રોકાણકાર એક ઉજ્જવળ નાણાંકીય ભવિષ્ય પ્રાપ્ત કરી શકે છે. 
# લાંબાગાળા નું રોકાણ #

PPF એકાઉન્ટ ૧૫ વર્ષ ની મુદત માટે ખોલાવી શકાય છે.આમ,લાંબાગાળાનું રોકાણ થવાથી કંમ્પાઉંન્ડીંગ વળતર નો ફાયદો મળે છે અને તેથી જ પાકતી મુદતે મોટી મુડી મેળવી શકાય છે.બીજું એક ખાસ નોંધવા જેવી બાબત એ કે PPF એકાઉન્ટની પાકતી મુદત નાંણાંકીય વર્ષને આધારે નક્કી થાય છે.દા.ત. ૨૭-૮-૨૦૦૮ નાં ચાલુ થયેલ એકાઉન્ટની મુદત ૨૭-૮-૨૦૨૩ નાં બદલે ૧-૪-૨૦૨૪ નં પુરી થાય છે.

# મુદતમાં વધરો #

પાકતી મુદતે એટલે કે ૧૫ માં વર્ષે જો તમારે ફંડની જરુર નાં હોય અથવા તો રોકાણ માટે તમને બીજો કોઈ સારો વિકલ્પ નાં મળતો હોય તો તમે PPF એકાઉન્ટ્ની મુદત વધારી શકો છો.આ વધારો ૫ વર્ષનો રાખી શકાય છે અને ગમે તેટલી વખત પાંચ - પાંચ વર્ષનો વધારો કરી શકાય છે.

# સંપુર્ણ સલામતી #

PPF એ ભારત સરકાર દ્વારાં સંચાલીત બચત યોજના છે જે રોકાણ કરાયેલ મુદલ રકમ તેમજ તેનાં પરનાં વ્યાજની રકમની સલામતીની સંપુર્ણ ખાત્રી આપે છે.જેથી લાંબાગાળાનાં નાંણાંકીય આયોજનો વિના વિઘ્ને  પાર પાડી શકાય છે.

# ડબલ ટેક્સ બેનીફીટ #

PPF નો વધુ એક આકર્ષક લાભ ડબલ ટેક્સ બેનીફીટ નો છે.એક તો તમે કરેલાં રોકાણ જેટલી રકમ તમને ઈન્કમ ટેક્સ ની કલમ ૮૦ સી હેઠળ ટેક્સ માંથી બાદ મળે છે તેમજ તેનાં પર કમાયેલાં વ્યાજની રકમ પર પણ કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.આમ,PPF માં કરેલું રોકાણ સંપુર્ણ ટેક્સ ફ્રી બને છે.

# ઉચ્ચતમ વ્યાજ દર #

PPF માં પુરી મુદત સુધીનો કોઈ એક નિશ્ચીત વ્યાજ દર હોતો નથી. પરંતુ ભારત સરકાર દ્વારાં દર વર્ષે જે તે વર્ષ માટેનો વ્યાજદર જાહેર કરવામાં આવે છે.જો કે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં એવાં કોઈ મોટા ફેરફારો જોવામાં આવ્યાં નથી.PPF  પર હાલનો વ્યાજ દર ૮% નો છે.ફરીથી યાદ કરીએ,PPF પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે.એટલે જો તમે ૩૦% નાં સર્વોચ્ચ ટેક્સ બ્રેકેટમાં પણ આવતાં હો તો પણ આ ૮% નો વ્યાજદર એ બંક FD પર મળતાં ૧૧.૪૩% નાં વ્યાજદરની સમકક્ષ છે.

# ન્યુનતમ રોકાણ #

PPF માં દર વર્ષે ઓછા માં ઓછા રુ ૫૦૦ નું રોકાણ પણ કરી શકાય છે.સાવ ઓછાં રોકાણની સગવડ્તાને લીધે મધ્યમ તેમજ  ગરીબ વર્ગનાં લોકો પણ તેમાં બચત કરી સલામત રોકાણ સામે લાંબાગાળે સારું વળતર મેળવી તેમનાં ભવિષ્યનાં સપનાંઓ પુરાં કરી શકે છે.

# મહતમ રોકાણ #

PPF માં દર વર્ષે વધુ માં વધુ રુ.૭૦,૦૦૦ સુધીનું જ રોકાણ થઈ શકે છે.પરંતુ આ રુપીયા એકીસાથે રોકવા જરુરી નથી.પરંતુ કુલ રુ.૭૦,૦૦૦ સુધીની મર્યાદા માં વર્ષ દરમિયાન ગમે તેટલી વખત રુપીયા જમા કરાવી શકાય છે.

# નિયમિત રોકાણ #

PPF માં ફક્ત એક જ વખત,એક સામટી મોટી રકમ્નું રોકાણ કરી ને રોકાણ બંધ કરી શકાતું નથી.PPF એ ફરજીયાત બચતનું સાધન છે.તેમાં ઓછા માં ઓછાં ૧૫ વર્ષ સુધી નિયમિત રીતે દરવર્ષે મીનીમમ રુ.૫૦૦ નું ફરજીયાત રોકાણ કરવું પડે છે.જેનાંથી નાંણાંકીય શિસ્તતા જળવાય છે જે સામાન્ય રીતેઆપણાં માટે મુશ્કેલ છે.

# ઉપાડ ની સગવડતા #

આમ,તો PPF નો હેતુ લાંબાગાળાનાં નાણાંકીય આયોજન માટેનો છે પરંતુ અધવચ્ચે અચાનક કોઈ તાત્કાલીક જરુરીયાત ઉભી થઈ જાય તો PPF માં ઉપાડની સગવડતા પણ છે.PPF માં થી ૭માં વર્ષથી નીચે મુજબ ઉપાડ કરી શકે છે.

>છેલ્લેથી ૪થા વર્ષની બેલેન્સનાં ૫૦% રકમ,

અથવા,

> છેલ્લેથી પહેલાં વર્ષની બેલેન્સનાં ૫૦% રકમ,

આ બંને માંથી જે રકમ ઓછી હોય તે ઉપાડી શકાય છે.

# લોનની સગવડ્તા #

જો સાતમાં વર્ષ પહેલાં કોઈ તાત્કાલીક નાંણાંકીય જરુરીયાત ઉભી થાય તો ત્રીજા થી છઠ્ઠા વર્ષ સુધીમાં ગમે ત્યારે તમારાં PPF એકાઉન્ટમાંથી લોન ઉપાડી શકાય છે.લોન ઉપાડવાનાં વર્ષથી પાછળનાં છેલ્લેથી બીજા વર્ષની બેલેન્સ રકમનાં ૨૫% રકમ લોન પેટે ઉપાડી શકાય છે.આ રકમ પર PPF માં મળતાં જે તે વર્ષનાં વ્યાજદર કરતાં ૨% વધારે વ્યાજદર ગણવામાં આવે છે.તે રકમ બે વર્ષનાં સમયગાળામાં ભરપાઈ કરવાની હોય છે.એક વખત લોન ભરપાઈ કર્યા પછી  ત્રીજા થી છઠ્ઠા વર્ષનાં ગાળામાં જરુર હોયતો બીજી વખત પણ લોન ઉપાડી શકાય છે.

# નોમીનેશન # 

તમારાં PPF એકાઉન્ટમાં તમે તમારાં નોમિની તરીકે કોઈને પણ રાખી શકો છો.મુદત દરમિયાન જો તમારું મૃત્યુ થાય તો નોમિની ટ્ર્સ્ટીશીપ ની જવાબદારી અદા કરશે.

# ડિફોલ્ટ #

PPF નાં એકાઉન્ટમાં દર વર્ષે નિયમિત રીતે ફરજીયાત રીતે ઓછા માં ઓછાં રુ.૫૦૦ અને વધુ માં વધુ રુ.૭૦,૦૦૦ ભરી શકાય છે.જો તમે કોઈ વર્ષ ઓછા માં ઓછાં રુ.૫૦૦ પણ PPF એકાઉન્ટમાં જમા ના કરાવો તો તે એકાઉન્ટ ડિફોલ્ટ એકાઉન્ટ ગણાશે.આવાં ડિફોલ્ટ એકાઉન્ટને ફરીથી નિયમિત કરવાં માટે જેટલાં વર્ષથી બચત જમા નથી કરી તેટલાં વર્ષનાં ૫૦૦ રુપીયા વતા ૧૦૦ રુ.લેખે દર વર્ષની પેનલ્ટી ભરવાથી PPF એકાઉન્ટ ફરીથી નિયમિત રીતે ચાલુ થઈશકે છે.

# એક વ્યક્તિ એક જ PPF એકાઉન્ટ ખોલાવી શકે છે.

# PPF એકાઉન્ટ સંયુક્ત નામે ખોલાવી શકાતું નથી તે ફક્ત વ્યક્તિગત નામનું જ ખોલાવી શકાય છે.

# જો કોઈ વર્ષે રુ.૭૦,૦૦૦ થી વધારે રુપીયા જમા કરવામાં આવશે તો વધારાનાં રુપીયા કોઈપણ વ્યાજ ઉમેર્યાં વગર પરત કરવામાં આવશે.

# નોકરીયાત વર્ગ માટે PF (પેન્શન ફંડ) ની સાથે સાથે PPF એ એક વધારાનું રોકાણનું સાધન થઈ શકશે અને આ રીતે બંનેમાં રોકાણ કરીને ટેક્સમાંથી બાદ મેળવી શકશે.

# ધંધાદારી વર્ગ કે જે પગારદાર નથી તેવાં લોકોનું રોકાણ PF (પેન્શન ફંડ) માં હોતું નથી તેથી ધંધાદારી વર્ગ માટે PPF માં કરેલું રોકાણ તેનાં નિવૃતિ પછીનાં જીવન માટે ખુબ જ ઉપયોગી સાબીત થઈ શક્શે.

# PPF એકાઉન્ટનાં રુપીયા અદાલતનાં હુકમ અથવા તો કોઈપણ સરકારી જાહેરનામાં દ્વારાં જપ્ત થઈ શકતાં નથી.તેનો મતલબ કે તમારી કોઈપણ જવાબદારી કે દેણાં પુરાં કરવાં માટે તમારી બધી મિલ્કત જપ્ત થઈ શકે પરંતુ PPF એકાઉન્ટનાં રુપીયા કોઈપણનાં ઓર્ડર થી જપ્ત થઈ શકતાં નથી તે રુપીયા ફક્ત તમને જ મળી શક્શે.

# PPF એકાઉન્ટ ક્યાં ખોલાવી શકાય?

> સ્ટૅટ બેંક ઓફ ઈન્ડીયા ની કોઈપણ બ્રાંચમાં

> હેડ પોસ્ટ ઓફીસ કે સબ પોસ્ટ ઓફીસમાં

> ટેક્સ કલેકશનનું કામ કરતી કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની બ્રાંચમાં PPF એકાઉન્ટ ખોલાવી શકાય છે.

# ઓનલાઈન PPF એકાઉન્ટ #

શેરબજાર અને મ્યુચલફંડ ની જેમ જ PPF એકાઉન્ટમાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.કેટલીક બેંકો ઓનલાઈન PPF ની સગવડતા આપે છે જેમાં ઈન્ટરનેટ દ્વારાં તમે તમારાં PPF એકાઉન્ટમાં રુપીયા જમા કરાવી શકો છો.ICICI બેંકે સૌથી પહેલાં દેશમાં આ સેવાની શરુઆત કરી હતી.ICICI બેંકમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો ઈન્ટરનેટ દ્વારાં તેનાં PPF એકાઉન્ટમાં રુપીયા જમા કરાવી શકે છે.SBI બેંક પણ ઓનલાઈન PPF એકાઉન્ટની સગવડતા પુરી પાડે છે.

આમ,PPF એકાઉન્ટ એક ઉતમ પ્રકારનું બચતનું સાધન છે.જેમાં અનેક ફાયદાઓ જોડાંયેલાં છે.પરીવારનાં દરેક વ્યક્તિદીઠ એક એક PPF એકાઉન્ટ ખોલાવી તેમાં નિયમિત બચત કરીને પરીવારનું નાંણાંકીય ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે.

ગુરુવાર, 10 માર્ચ, 2011

મોટર ઈન્શ્યોરન્સ માં નવો વિકલ્પઃ 'પે એઝ યુ ડ્રાઈવ'


મોટર ઈન્શ્યોરન્સ એ વીમા કંપનીઓ માટે ખોટનું સાધન છે.તાજેતરમાં જ લોકસભામાં રજુ થયેલાં અંદાજ મુજબ ચાલુ વર્ષ ૨૦૧૦-૨૦૧૧ માં ભારતની સામાન્ય વીમા કંપનીઓ ને મોટર ઈન્શ્યોરન્સ ક્ષેત્રે કુલ ૨૫૦૦ થી ૩૫૦૦ કરોડ રૂપિયાનું નુક્સાન થવાનો અંદાજ છે.આવાં સંજોગો માં વીમા કંપની અને ગ્રાહકો એમ બંને ને ફાયદો થાય તેવાં પ્રકાર ની મોટર ઈન્શ્યોરન્સ પોલીસી રજુ કરવાની તૈયારી ભારતની ત્રણ વીમા કંપનીઓ કરી રહી છે.જેમાં બજાજ એલીયાન્ઝ,આઈ.સી.આઈ.સી.આઇ. લોમ્બાર્ડ અને ભારતી અક્સા જનરલ ઈન્શ્યોરન્સ નો સમાવેશ થાય છે. 


આ પ્રકારની પોલીસીમાં તમે જેટલું વાહન ચલાવો તે મુજબનું જ પ્રીમિયમ તમારે ચુકવવાનું રહેશે.એટલે કે તમે જો ઓછું વાહન ચલાવો તો ઓછું પ્રીમિયમ અને વધારે વાહન નો વપરાશ હોય તો વધુ પ્રીમિયમ.ICICI LOMBARD દ્વારાં તેનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમુક વાહનો માં ટ્રેકીંગ ઈક્વીપમેન્ટ લગાવવામાં આવેલાં છે.આ સાધન હાલમાં અંતર,ઉપયોગમાં લેવામાં આવતાં રસ્તાની વીગત,વાહન ચલાવવાનો સમય,દિવસ કે રાત્રી,વાહન ચલાવવાની ગતી વગેરે જેવી વિગતો એક્ત્રીત કરશે અને આ અંકડાઓ ને આધારે આ નવા પ્રકારની પોલીસી નાં પ્રીમિયમનાં દરો નક્કી કરવામાં આવશે.ઈટાલી,અમેરીકા તેમજ યુરોપ માં થોડાં વર્ષો પહેલાં આ પ્રકારની પોલીસીઓ શરુ કરવામાં આવેલી જ્યં તેને સારો પ્રતિસાદ મળેલ છે.હવે ભારતમાં પણ નજીકનાં ભવિષ્યમાં આ પ્રકારની પોલીસીઓ ઉપલબ્ધ થશે.

રવિવાર, 6 માર્ચ, 2011

શેર નાં PE રેશિયો (ગુણોતર) વિશે સરળ સમજુતી


શેરબજાર નાં રોકાણકારો માટે PE (પ્રાઈઝ ટુ અર્નીંગ્ઝ) રેશિયો શબ્દ નવો નથી.આજકાલ શેરનાં ભાવની સાથે તેનો PE રેશિયો પણ બોલવાની ફેશન થઈ ગઈ છે.કોઈપણ કંપનીનાં શેરનાં ભાવો જ્યારે ઘટે કે વધે અથવા તો કોઇ કંપનીનાં શેર ખરીદવાની ભલામણ કરવામાં આવે તો તેની સાથે તે શેરનો PE રેશિયો પણ બતાવવામાં આવે છે અને તેનાં આધારે તે શેર હાલનાં બજારભાવે ખરીદવો સારો કે ખરાબ તેવું સમજાવવામાં આવે છે.
  • PE રેશિયો એટ્લે શું?


PE રેશિયો એ શેરની બજાર કિંમત અને શેરદિઠ કમાણીનો ગુણૉતર છે.

PE રેશિયો = શેરનો બજારભાવ / શેરદિઠ કમાણી

તો હવે PE રેશિયો જેનાં દ્વારાં મળે છે તેવાં બે મુખ્ય હિસ્સાઓ વિશે સમજીએ.

(૧) શેરનો બજારભાવઃ શેર એ કંપનીમાં માલીકીપણૂં દર્શાવે છે.પબ્લીક લીમીટેડ કંપનીનાં શેરનું ટ્રેડીંગ શેરબજારમાં થાય છે.આવી લીસ્ટેડ કંપનીનાં શેરનો બજારભાવ સ્ટોક એક્સચેંજમાં માંગ અને પુરવઠા નાં નિયમને આધારે દેશનાં હજારો રોકાણકારો દ્વારાં નક્કી થાય છે.શેર નો બજારભાવ એ કંપનીમાં એટલાં હિસ્સા પુરતી માલીકી મેળવવા માટેનું મુલ્ય છે.
 (૨) શેરદીઠ કમાણી(EPS-Earning Per Share): કંપનીનાં ચોખ્ખાં નફાને તે કંપની એ બહાર  પાડેલાં કુલ શેરની સંખ્યા વડે ભાંગવામાં આવતાં જે રકમ મળે તેને શેરદીઠ કમાણી કહેવામાં આવે છે. 
આમ,PE રેશિયો એ કંપની એ કરેલાં નફાનાં એક એક રુપિયા ની સામે રોકાણકાર તે કંપનીનાં શેર માટે કેટલાં ગણી રકમ ચુકવવા તૈયાર છે તે દર્શાવતું મુલ્ય.

ઉદાહરણઃ
જો શેરનો ભાવ ૧૦૦૦ રૂ. હોય અને તેની શેરદીઠ કમાણી(EPS) રૂ.૫૦ હોય તો ૧૦૦૦/૫૦ = ૨૦ રૂ. તેનો PE રેશિયો થશે.તેનો મતલબ કે રોકાણકારો કંપનીએ કરેલાં એક રુપિયાનાં નફાની સામે ૨૦ રૂ. ચુકવવા તૈયાર છે.

# PE રેશિયો નો યોગ્ય ઉપયોગ કેમ કરવો?

PE રેશિયો વિશે આપણે સમજણ તો મેળવી પરંતુ તેનાં કરતાં પણ તેનો ઉપયોગ કેમ અને કેવી રીતે કરવો તે જાણવું ખુબ જ અગત્યનું છે.

સરખામણીઃસૌથી અગત્યની વાત કે કોઈપણ કંપનીનાં શેરનો PE રેશિયો કાઢી લેવાથી આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્તા નથી પરંતુ PE રેશિયાનો સાચો ફાયદો લેવા માટે તેની સરખામણી કરવી પડે છે.
PE રેશિયોનો ઉપયોગ બે કંપની,બે ક્ષેત્રો કે બે દેશો વચ્ચેની સરખામણી કરવામાં થાય છે.તેમજ તેનો ઉપયોગ શેરનાં વેલ્યુએશન તથા સ્ટોક એનાલીસીસની બીજી અનેક પધ્ધતીઓ માં કરવામાં આવે છે.

સરખામણી તો સરખે સરખાંઓ ની જઃ

શેરનાં PE રેશિયોની સરખામણી કરવાની વાત આવે ત્યારે તેની સરખામણી સમાન કારોબાર કરતી કંપનીઓ વચ્ચે જ કરવી યોગ્ય ગણાય.આઈ.ટી. કંપનીનાં શેરનાં PE ની તુલના આપણે સ્ટીલ કંપનીનાં શેરનાં PE સાથે નાં કરી શકીએ.
જ્યારે આપણે બોલીએ છીએ 'ઉંચો PE ',તેનો મતલબ કે સમાન ક્ષેત્રો માં કામ કરતી બીજી કંપનીઓ નાં એવરેજ PE કરતાં તે કંપનીનો PE ઘણો ઉંચો છે.એવી જ રીતે જ્યારે આપણે બોલીએ કે 'નીચો PE ' તેનો મતલબ કે સમાન ક્ષેત્ર માં કામ કરતી બીજી કંપનીઓનાં એવરેજ PE કરતાં તે કંપનીનો PE ઘણો નીચો છે.

'ઉંચો PE'
ઉંચા PE નો મતલબ થાય કે તે કંપનીનું મુલ્યાંકન ખુબ જ ઉંચુ આંકવામાં આવ્યું છે એટલે કે તે શેરનો ભાવ ક્રુત્રીમ રીતે વધારવામાં આવ્યો છે.આવાં શેરનાં ભાવો માં ઘટાડાની સંભાવનાઓ છે.'ઉંચો PE' હોવાની એક બીજી શક્યતા પણ  છે કે બજારની અપેક્ષામાં એ કંપની નજીકનાં ભવિષ્યમાં ખુબ જ ઉંચા દરે વિકાસ કરશે અને જ્યારે તે કંપની ઝડપથી વિકસતાં ક્ષેત્ર સાથે જોડાયેલી હોય ત્યારે આ સાચું પણ પડે છે.તો આવાં સંજોગોમાં તે કંપની વિશે પણ અભ્યાસ કરવો જરુરી બને છે. 

'નીચો PE'

શેરનો નીચો PE રેશિયો ધરાવતી કંપનીઓનું મુલ્યાંકન ખુબ જ આકર્ષક છે તેવું કહી શકાય અને આવાં શેરની કિંમતમાં ભવિષ્યમાં વધારો થઈ શકે છે.ઉંચા PE ની જેમ નીચા PE માં પણ એક બીજી શક્યતા રહેલી છે.નીચા PE નો બીજો અર્થ એમ પણ થાય કે બજારની અપેક્ષા મુજબ તે કંપનીનો ભવિષ્યનો વિકાસદર ખુબ જ નીચો રહે તેવી સંભવના દેખાતી હોય અને સાથે સાથે તે કંપની જે ક્ષેત્ર માં કામ કરતી હોય તે ક્ષેત્ર નો વિકાસદર પણ જો ખુબ જ નીચો હોય તો આ શક્યતા સાચી પડી શકે છે.આવાં સંજોગોમાં કંપની તેમજ તેનાં કરોબાર તથા તેનાં કરોબાર નાં ક્ષેત્ર તેમજ તે કંપની નાં સંચાલકો અને તેમનાં ભવીષ્યનાં આયોજનો વિશે ઉંડાણપુર્વક અભ્યાસ કરવો જરુરી બને છે અને તેનાં આધારે જ નાક્કી કરી શકાય કે આવો શેર ખરીદવો કે નંહિ.
ખોટ કરતી કંપનીઓનાં કિસ્સામાં તેમજ નવી જ ચાલુ થયેલી કંપનીઓનાં કિસ્સામાં PE રેશિયોની સરખામણી તદન બિનઉપયોગી છે.